Madresa High School Bardoli

Desk of Principal

Sabirbhai Y. Patel

Principal’s Message

શાળાએ અનેક પેઢીઓની સંસ્કાર અને સિંચનની જનેતા છે. કોઇ પણ બાળકના વિકાસમાં કુટુંબ પછી જો કોઇનો અમુલ્ય ફાળો હોય તો તે શાળા જ છે. શાળા જ વર્ગખંડમાં સમાજ અને દેશના ભાવિનું ઘડતર કરે છે. શાળા થકી જ ઉચ્ચ ક્ષમતાના બાળકો સારા નાગરિકો બની દેશના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવી શકે છે. સમાજ અને દેશના વિકાસ માટે બાળકમાં સંસ્કારોના સિંચન કરવાનું ભગીરથ કાર્ય અમારી શાળા મદ્રેસા હાઇસ્કૂલ, બારડોલી છેલ્લા ૩૮ વર્ષથી કરી રહી છે. ૧૪ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી અમારી શાળા આજે આશરે ૨,૦૦૦ વિદ્યાર્થીઓ સાથે વટવૃક્ષ સમાન બની ચૂકી છે. આજે અમારી શાળા ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ (સા.પ્ર) માં ગુણવત્તા સભર શિક્ષણ આપી રહી છે.

અમારી શાળામાં ભૌતિક સુવિધાથી સુસજ્જ વિશાળ પુસ્તકાલય, અદ્યતન કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાનપ્રયોગશાળા અને વિશાળ રમતગમતનું મેદાન બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. અમારી શાળા કોઇપણ જાતના ભેદભાવ વગર બાળકોના વિકાસ માટે, તેમની પ્રગતિ માટે અને તેઓને શ્રેષ્ઠ નાગરિક તરીકે સમાજમાં પ્રસ્થાપિત કરવા માટે દિન પ્રતિદિન ખૂબ જ કાર્ય ક્ષમતાથી કાર્ય કરી રહી છે જે માટે શાળામાં સમયાંતરે વાલી મિટીંગ, મોટિવેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, સાથે સાથે વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની રુચિ જળવાઇ રહે તે માટે શાળા દ્વારા ACTIVITY BASED LEARNING METHODઅપનાવવામાં આવી છે જેના પરિણામે ગતવર્ષ શાળાનું એસ.એસ.સી અને એચ.એસ.સી નું પરિણામ નોંધનીય રહ્યું છે. શાળાની એચ.એસ.સી ની વિદ્યાર્થીનીએ A1 Grade સાથે બારડોલી તાલુકામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે. શાળાની અન્ય સિદ્ધીની વાત કરીએ તો ઘણા વિદ્યાર્થીઓ QDCની સ્પર્ધાઓમાં, યુવક મહોત્સવમાં, વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં અનેરી સિદ્ધીઓ પ્રાપ્ત કરી ચૂક્યા છે. સાથે રમત-ગમતમાં જુડો-કુસ્તી જેવી સ્પર્ધાઓમાં પણ રાજ્ય કક્ષા સુધી પહોંચી શાળાનું નામ રોશન કરેલ છે.

આ તબક્કે આચાર્યશ્રી તરીકે હું મારા સંચાલક મંડળનો, મારા વહીવટી મિત્રોનો, જિ.શિ કચેરીના સાહેબશ્રીઓનો, મારી શાળાને આપણી શાળા સમજનાર અને માનનાર મારા શિક્ષક મિત્રોનો શાળાની પ્રગતિ અને વિકાસમાં ફાળો આપનાર સર્વનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરું છુ.